વિજ્ઞાનનો આધાર શ્રદ્ધા નહીં પણ પુરાવા છે :
ઘણા લોકો માને છે કે વિજ્ઞાન એટલે માત્ર વૈજ્ઞાનિકોનું મંતવ્ય. પરંતુ હકીકતમાં વિજ્ઞાન કોઈ વ્યક્તિ, પુસ્તક કે સત્તા પર આધાર રાખતું નથી. વિજ્ઞાન એક પદ્ધતિ (Method) છે, જેના દ્વારા કોઈ દાવાની સાચાઈ તપાસવામાં આવે છે.
વિજ્ઞાનમાં કોઈ બાબતને સાચી માનતા પહેલાં સામાન્ય રીતે આ પગલાં લેવામાં આવે છે:
- અવલોકન (Observation)
સૌપ્રથમ કોઈ ઘટના કે પેટર્ન પર ધ્યાન આપવામાં આવે છે.
ઉદાહરણ તરીકે.. સફરજન ઝાડ પરથી નીચે કેમ પડે છે? રોગ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં કેમ ફેલાય છે? આવા પ્રશ્નોથી જ તપાસની શરૂઆત થાય છે.
- અનુમાન (Hypothesis)
ત્યારબાદ એક સંભવિત જવાબ અથવા અનુમાન રજૂ કરવામાં આવે છે.
જેમ કે.. “કદાચ કોઈ અદૃશ્ય બળ વસ્તુઓને જમીન તરફ ખેંચે છે.” અથવા “કદાચ કોઈ સૂક્ષ્મ જીવાણુ રોગ ફેલાવે છે.” આ હજુ સત્ય નથી, માત્ર એક સંભવિત સમજ છે.
- પ્રયોગ અને પરીક્ષણ (Experiment)
હવે અનુમાનને ચકાસવામાં આવે છે. વારંવાર પ્રયોગો કરવામાં આવે છે. જુદી જુદી જગ્યાએ, જુદા લોકો દ્વારા અને જુદી જુદી પરિસ્થિતિઓમાં પરીક્ષણ થાય છે. જો પરિણામો વારંવાર એકસરખા મળે, તો અનુમાન વધુ મજબૂત બનતું જાય છે.
- પુરાવા એકત્રિત કરવાં (Evidence)
માત્ર એક કે બે પ્રયોગ પૂરતા નથી. વર્ષો સુધી વિવિધ પ્રકારના પુરાવા એકત્રિત થાય છે. પ્રયોગો, માપન,અવલોકનો, ફોટા,નમૂનાઓ, આંકડાકીય માહિતી. જેટલા વધુ સ્વતંત્ર પુરાવા મળે, તેટલો વિશ્વાસ વધે.
- અન્ય વૈજ્ઞાનિકો દ્વારા ચકાસણી (Verification)
વિજ્ઞાનમાં “મને સાચું લાગે છે” એટલું પૂરતું નથી.
વિશ્વના બીજા વૈજ્ઞાનિકો પણ એ જ બાબતની તપાસ કરે છે અને પરિણામો ચકાસે છે. જો સ્વતંત્ર સંશોધકો પણ સમાન પદ્ધતિ અપનાવીને સમાન પરિણામો મેળવી શકે, તો દાવો વધુ વિશ્વસનીય બને છે.
- ખોટું સાબિત કરવાનો પ્રયાસ
આ વિજ્ઞાનની સૌથી અનોખી બાબતોમાંની એક છે. વિજ્ઞાન કોઈ દાવાને સાચું સાબિત કરવાનો જ પ્રયત્ન નથી કરતું, પરંતુ તેને ખોટું સાબિત કરવાનો પણ પ્રયાસ કરે છે. જો અનેક પ્રયત્નો છતાં દાવો ખોટો સાબિત ન થાય, તો તેના પર વિશ્વાસ વધે છે.
- સતત પુનઃપરીક્ષણ
વિજ્ઞાન કોઈ બાબતને “હવે સવાલ પૂછવાનો નહીં” કહીને બંધ કરતું નથી. નવી ટેકનોલોજી, નવા સાધનો અને નવા પુરાવા મળતાં જૂની સમજ ફરી તપાસવામાં આવે છે. એટલે જ વિજ્ઞાન સતત વિકસતું રહે છે.
તો શું વિજ્ઞાન સંપૂર્ણ સત્ય સુધી પહોંચે છે?
આ સમગ્ર પ્રક્રિયાનો હેતુ કોઈ માન્યતાને સાચી સાબિત કરવાનો નથી, પરંતુ ઉપલબ્ધ પુરાવાઓના આધારે સૌથી વિશ્વસનીય સમજ સુધી પહોંચવાનો છે. વિજ્ઞાન પોતે એવો દાવો કરતું નથી કે તેને અંતિમ અને સંપૂર્ણ સત્ય મળી ગયું છે.
વિજ્ઞાનનો અભિગમ એવો છે કે.. “હાલમાં ઉપલબ્ધ પુરાવાઓના આધારે આ સૌથી મજબૂત અને વિશ્વસનીય સમજ છે.”
જેમ જેમ વધુ પુરાવા મળે, તેમ સમજ વધુ સચોટ બનતી જાય છે. એટલે વિજ્ઞાન એવો દાવો કરતું નથી કે તેની પાસે અંતિમ સત્ય છે. તે સતત સવાલ પૂછે છે, તપાસ કરે છે અને નવી માહિતી મળતાં પોતાની સમજ સુધારે છે.
તો પછી વિજ્ઞાન પર ભરોસો કેમ કરવો?
ઘણા લોકોને પ્રશ્ન થાય કે.. “જો વિજ્ઞાન ભવિષ્યમાં બદલાઈ શકે છે, તો પછી આજે વિજ્ઞાન જે કહે છે તેના પર ભરોસો કેવી રીતે કરવો?”
આવો સવાલ થવો વાજબી છે. સૌપ્રથમ એક વાત સમજવી જરૂરી છે કે વિજ્ઞાનમાં દરેક બાબત સમાન મજબૂત નથી હોતી. કેટલીક બાબતો હજુ સંશોધન હેઠળ હોય છે, તેથી ભવિષ્યમાં તેમાં ફેરફાર થઈ શકે છે. પરંતુ કેટલીક એવી બાબતો પણ છે જે હજારો નહીં, લાખો અવલોકનો, પ્રયોગો અને વિવિધ પ્રકારના પુરાવાઓ દ્વારા ચકાસાઈ ચૂકી છે.
એટલે વૈજ્ઞાનિક ભાષામાં ભલે “100% અંતિમ સત્ય” ન કહેવાય, પરંતુ વ્યવહારિક રીતે તેમની ખોટી સાબિત થવાની સંભાવના અત્યંત ઓછી માનવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, આજે કેટલીક બાબતો એવી છે જેના માટે એટલા બધા પુરાવા ઉપલબ્ધ છે જેમ કે..
- પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે.
- પૃથ્વી પોતાની ધરી પર ફરે છે.
- બધા જીવંત સજીવો કોષો (Cells)થી બનેલા છે.
- DNA વારસાગત માહિતીનો મુખ્ય વાહક છે.
- ઉત્ક્રાંતિ (Evolution) થાય છે.
- પરમાણુઓ (Atoms) અસ્તિત્વ ધરાવે છે.
- બેક્ટેરિયા અને વાયરસ અસ્તિત્વ ધરાવે છે.
- ઊર્જા નષ્ટ થતી નથી, માત્ર સ્વરૂપ બદલે છે.
- પૃથ્વીની ઉંમર લગભગ 4.5 અબજ વર્ષ છે.
- બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે.
આ તો માત્ર થોડાં ઉદાહરણો છે. આવી અનેક બાબતો છે જે વિવિધ પ્રકારના પુરાવાઓ, અવલોકનો અને પ્રયોગો દ્વારા એટલી મજબૂત રીતે ચકાસાઈ ચૂકી છે કે તેમની ખોટી સાબિત થવાની સંભાવના અત્યંત ઓછી માનવામાં આવે છે.
આવી બાબતો વિશે ભવિષ્યમાં નવી વિગતો અથવા વધુ સારી સમજ મળી શકે, પરંતુ ભવિષ્યમાં નવી માહિતી મળે તો પણ આ મૂળભૂત બાબતો ખોટી નીકળે તેવી સંભાવના ખૂબ ઓછી છે. એટલે વિજ્ઞાન બદલાય છે તેનો અર્થ એ નથી કે “કંઈ પણ સાચું નથી.” તેનો અર્થ માત્ર એટલો છે કે વિજ્ઞાન નવી માહિતી મળતાં પોતાની સમજ વધુ સચોટ બનાવે છે.
વિજ્ઞાનની સૌથી મોટી તાકાત:
વિજ્ઞાનની સૌથી મોટી તાકાત એ નથી કે તે ક્યારેય ભૂલ કરતું નથી. તેની સૌથી મોટી તાકાત એ છે કે તે પોતાની ભૂલો સુધારી શકે છે. વિજ્ઞાનમાં કોઈ વિચારને માત્ર એટલા માટે સાચો માનવામાં આવતો નથી કે કોઈ મહાન વ્યક્તિએ કહ્યું છે.
દાવો પુરાવા સામે ટકી રહે ત્યારે જ તેને સ્વીકારવામાં આવે છે. એટલા માટે જ વિજ્ઞાન દ્વારા મળેલું જ્ઞાન માનવ ઇતિહાસમાં સૌથી વિશ્વસનીય જ્ઞાન ગણાય છે. કારણ કે તે શ્રદ્ધા, પરંપરા કે સત્તા પર નહીં, પરંતુ અવલોકન, પરીક્ષણ, પુરાવા અને સતત ચકાસણી પર આધારિત છે.
ટૂંકમાં, વિજ્ઞાન સત્તા કે શ્રદ્ધાથી નહીં, પરંતુ અવલોકન, પરીક્ષણ, પુરાવા અને સતત ચકાસણી દ્વારા સત્યની નજીક પહોંચવાનો પ્રયત્ન કરે છે.
સંદર્ભ: વૈજ્ઞાનિક પદ્ધતિ (Scientific Method) અને આધુનિક વૈજ્ઞાનિક સંશોધનની સ્વીકૃત પ્રક્રિયા.
~ વર્શા માનવ
