પાટીદાર,ચૌધરી,રબારી કે અન્ય દરેક સમાજોએ દલિત સમાજ પાસેથી શીખવાનુ છે કે પોતાની પ્રતિભાશાળી દીકરીઓના અધિકારોનું રક્ષણ કેવી રીતે કરાય !
તાજેતરમાં લોકલાડીલા લોકગાયક કાજલબેન મહેરીયાના ત્રણ વર્ષથી પ્રેમસંબંધમાં રહેલા અલ્પેશભાઈ ઠાકોર સાથે થયેલા પ્રેમલગ્ન બાબતે તેમના ભાઈ સંદીપ મહેરીયા દ્વારા ફરિયાદ પછી અમુક બિલાડીના ટોપ જેવા સિઝનલ દલિત આગેવાનો લોકલાગણીઓને ઉશ્કેરીને બાબાસાહેબના બંધારણીય અધિકારો વિરુદ્ધ બોગસ નિવેદનો આપીને મફત હીરોગીરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ફોટાઓ અને અન્ય માહિતીઓ જોતા આ લગ્ન આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન તો ખરા જ, પરંતુ ઉંમરની રીતે પણ અલ્પેશભાઈ કાજલબેન કરતાં નાના જણાઈ રહ્યા છે, જે ગુજરાત જેવા પરંપરાગત સમાજમાં ચોક્કસથી નવાઈનો વિષય બને, પરંતું આવા સામાજીક જડતાને તોડતા પ્રેમલગ્નો આવકારદાયક છે.
દરેક સમાજમાં 10-15/% ન્યુસન્સ પુરુષો હોય જ, દલિત સમાજમાં પણ છે, જેઓ દીકરીઓના મુદ્દાઓને ઉછાળીને પોતાના રાજકીય-સામાજિક મહત્વાકાંક્ષાના રોટલા શેકતા હોય છે. પરંતુ કાજલબેનના મુદ્દામાં આખો દલિત સમાજ ક્યાંય આવા ન્યુસન્સ પુરુષોના ટેકામાં ન આવ્યો. ના તો કોઈ નામી દલિત સામાજિક અગ્રણીઓએ આવા ન્યુસન્સ પુરુષોને કોઈ પ્રકારના સમર્થનો આપ્યા, જેમણે આપ્યા એમનો કોઈ ભાવ પૂછતું નથી. ના તો કોઈએ સંમેલનો કરીને કાજલબેનનો સામાજિક બહિષ્કાર કરવાની વાત કરવામાં આવી. ના તો કોઈ લબરમુછીયા લુખ્ખાતત્વો દ્વારા કાજલબેનની પતિ સહિત હત્યા કરી દેવાની ધમકી આપવામાં આવી. ના તો કોઈએ કાજલબેનના રોજગાર ઉપર પાટુ મારીને એમને ઘરભેગા કરી દેવાની સામાજિક ચળવળ ચલાવી. ના તો કોઈએ તેમના કોઈ ચાલુ કે આવનારા કાર્યક્રમ ઉપર જઈને ધમાલ તોફાન કર્યું. ના તો દલિત સમાજની કોઈપણ પિતૃસત્તાની ચાપલુસ સ્ત્રીઓએ સંસ્કાર, સંસ્કૃતિ અને જાતિ અભિમાનની વાતો કરીને તેમના મોરલ પોલિસીંગ કરીને પોતે પુરુષોને વહાલા થવાની આડોડાઈ કરી. સોશિયલ મીડિયા ઉપરના નવરાધૂપ 10-15% ન્યુસન્સ દલિત પુરુષો સિવાય આખા દલિત સમાજના સ્ત્રીઓ- પુરુષો અને સામાજિક અગ્રણીઓ સહિત રાજકારણીઓએ પણ આ મુદ્દે કા તો મૌન સેવ્યુ અથવા તો પછી કાજલબેનના સમર્થનમાં જ દલીલો આપી. દીકરીઓના પ્રેમલગ્ન બાબતના અધિકારોમાં આટલી સામાજિક અને રાજકીય મેચ્યોરિટી સુધી પહોંચતા હજુ અન્ય સમાજોને એમનું જાતિ અભિમાન રોકી રહ્યું છે, એ બધાએ દલિત સમાજ પાસેથી આ શીખવા જેવું છે.
કાજલબેન અને અલ્પેશ ભાઈને સુખી લગ્નજીવનની શુભેચ્છાઓ…. 💐🙏🏻
(P.S. દીકરી પ્રેમલગ્ન કરે એના કરતાં પણ વધારે તકલીફ લોકોને ત્યારે થાય જ્યારે ખૂબ સારું કમાતી દીકરીનો આર્થિક વહીવટ એ પોતાના હાથમાં લઇ લેય અથવા મનમરજીની જગ્યાએ પરણે જેથી વહીવટ બીજા પુરુષના હાથમાં જાય! દીકરીઓએ પોતાનો આર્થિક વહીવટ ભાઈ કે પતિ કે પિતા કોઈના હાથમાં ન આપતા પોતાના હાથમાં જ રાખવો જોઈએ હંમેશા!)
~ મિત્તલ સમોવા
